સમય ઝડપથી આગળ વધી રહ્યો હોય અને કોરોના કાળમાંથી પસાર થયેલા યુવાનોનું ભાવિ ખતરામાં દેખાય રહ્યું હોય
તેવું લાગે, તો એ હવે સામાન્ય વાત બની ગઈ છે. ફક્ત ભારતમાં જ નહિ, પરંતુ દેશ-વિદેશમાં મોંઘવારી અને
બેરોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો આવ્યો છે. તે ઉપરાંત, યુક્રેન અને મોસ્કો વચ્ચેના યુદ્ધ બાદ તબીબી ક્ષેત્રે
કારકિર્દી બનાવવા યુક્રેનમાં વસેલા ઘણાં વિદ્યાર્થી મિત્રોનું ભાવિ ખતરામાં દેખાય છે. કોરોના કાળમાં લોકડાઉન જાહેર
કરવામાં આવ્યું ત્યારબાદ, શિક્ષણ જગતમાં પણ ખૂબ હતાશા જોવામાં આવી હતી. શિક્ષકો માટે વિદ્યાર્થીઓને કેવી
રીતે ભણાવવા અને કઈ રીતે મૂલ્યાંકન કરવું તે એક પડકાર સમાન કાર્ય હતું. ઘણાં લોકોએ ઓનલાઈન શિક્ષણ પર
ચર્ચા કરી અને તેના ફાયદા-ગેરફાયદા સમાજ સામે મૂક્યા હતાં. સંજોગોવશાત્, અમુક પ્રકારની વિદ્યા મેળવી ન શક્યા
હોવાના કારણે યુવાનો આજે રોજગારીની ચિંતા, માનસિક તાણ અને નિષ્ફળતા જેવા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે,
જે એક પ્રગતિશીલ દેશ માટે ચિંતાનો વિષય છે.
યુવાનોમાં આત્મવિશ્વાસનો અભાવ દેખીતી રીતે વધતો જતો હોવાના લીધે નિષ્ફળતા મળવાની બીક પણ મગજમાં
ઘર કરી જાય છે. કપરો સમય જીરવી શકવાનો અનુભવ તેમની પાસે હજી નથી આવ્યો હોતો અથવા તો પોતાનું
ભવિષ્ય નક્કી કરવામાં અસક્ષમ છે તેવું કહી શકાય. જે યુવાનોએ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાને બહુ ગંભીરતાથી
ક્યારેય નથી લીધી તેમના માટે તો કોરોના લાભદાયક જ સાબિત થયો છે. માસ પ્રમોશન મળવાને લીધે ઘણું
શીખવાનું છૂટી ગયું હોવાને લીધે ખરેખર હોંશિયાર વિદ્યાર્થીઓને મોટો ફટકો પડ્યો છે. વળી, આગળ પ્રવેશ મેળવવા
માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર યુવાનોને તો મોટું નુકસાન થવાનું જ અને સાથે સાથે નિષ્ફળ થવાનો ડર પણ
રહેવાનો જ! તેથી જ, આજનાં યુવાનોમાં આપઘાતનું સૌથી મોટું કારણ નબળું પરિણામ અથવા નિષ્ફળતા મળવાની
સંભાવનામાં રહેલું છે. એટલું જ નહિ, ફક્ત પરીક્ષા પૂરતું વાંચન-લેખન કરવાના કારણે તેમના આત્મવિશ્વાસમાં
નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે મનોવૈજ્ઞાનિકો દાવો કરી ચૂક્યા છે.
જે યુવાનોને સ્નાતક થવા છતાંય શૈક્ષણિક લાયકાતમાં ઘટાડો દેખાય છે, તેમણે તેની ભરપાઈ કરવા માટે ઘણો ખરો
સમય અને ચોક્કસ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. યુવાનોમાં રોજગાર માટે જરૂરી જ્ઞાન અને આવડતની ઉણપ
જ નિરાશા લાવે છે. જો યોગ્ય સમય તાત્કાલિક ધોરણે વાંચન માટે ફાળવવામાં આવે અને કારકિર્દી માટે જરૂરી
આવડત એકત્ર કરી લેવામાં આવે તો નિરાશા ઘટાડી અથવા ટાળી શકાય. કોરોના કાળ બાદ ઘણાં મહત્વકાંક્ષી યુવાનો
પુસ્તકાલયમાં સમય વ્યતીત કરે છે તો ઘણાં ઘરે બેસીને ઓનલાઇન કોર્સ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે, જે
ચોક્કસપણે આત્મવિશ્વાસ વર્ધક છે, જેનાં લીધે નિષ્ફળતાને ટાળી શકાય છે.
પ્રગતિશીલ દેશનાં યુવાનો પાછા પડે એટલે દેશની દુર્ગતિ થાય તેમજ અર્થવ્યવસ્થા ભાંગી પડે. તેના માટે ઘણાં
તજજ્ઞોએ સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. ઘણી સોફ્ટવેર કંપનીઓ યુવાનોને આકર્ષવા વિવિધ પ્રકારની
એપ્સ અજમાવે છે. યુવાનો તેમાં પોતાનો દિવસ પસાર કરીને કારકિર્દી માટે અમૂલ્ય વાંચન-લેખનનો ત્યાગ કરીને
પોતાના પગ પર કુહાડી મારી રહ્યાં છે જે કદી ઈચ્છનીય નથી. આ ફક્ત થોડા સમયનું આકર્ષણ આખી કારકિર્દી
બરબાદ કરવાની તાકાત ધરાવતું હોવાની સાથે યુવાનોને ભ્રમિત રાખે છે કે તેમની પાસે પૂરતું જ્ઞાન છે અને સમય
બિલકુલ નથી. જેનાં કારણે નિષ્ફળતા હાથ લાગે છે અને વલખાં મારવા છતાંય કારણ મળતું નથી ત્યારે પોતાના
નસીબને દોષ આપે છે અથવા આપઘાત તરફ વળે છે. અપૂરતું જ્ઞાન કેટલો વિનાશ નોતરી શકે છે તે તો એક નિષ્ફળ
વ્યક્તિ જ સમજાવી શકે. પણ, તેમના અનુભવ, જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા અને મનની સ્થિરતા તેમને એક દિવસ
ચોક્કસપણે સફળ વ્યક્તિ બનાવે છે.
કોરોના કાળ દરમિયાન ઘણાં યુવાનો સાહસિકતા બતાવી આંત્રપ્રિન્યોર બન્યાં. સજજડ બંધ માર્કેટ, ધંધાકીય પ્રવૃત્તિમાં
નાણાકીય ખોટ જવાની સંભાવના અને ગ્રાહકોની રૂઢિચુસ્ત માનસિકતા વચ્ચે જ્યારે સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન બન્યાં તો
નિષ્ફળતાનો સ્વાદ ચાખવા વાળા યુવાનોમાં આત્મવિશ્વાસનો ભરાવો થતો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. પણ,
સફળતાનું કારણ આજે પણ એ જ છે – મહેનત કરવાની દાનત, અખૂટ જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, સાહસિકતા
અને ધીરજ. જો આજનાં યુવાનો સ્માર્ટ ફોનને વળગી રહેવાની બદલે કોઈ પુસ્તક, તેજસ્વી મિત્ર કે શિક્ષક અથવા
અખબારને અપનાવી જ્ઞાનના સાગરમાં ડૂબકીઓ લગાવશે તો તેની કારકિર્દીની નૌકા તરી જશે!
“નિષ્ફળતાની ભરતીનો પ્રારંભ મગજથી થાય છે; જેમાં ધીરે ધીરે માણસનો નખશિખ ગરકાવ થઈ જાય છે!” – વિવેક
જોશી
✍ વિવેક જોશીની કલમે
(૩૦ મે, ૨૦૨૨)
1 ટિપ્પણીઓ
ખુબ ખુબ અભિનંદન... સાંપ્રત સમયમાં જ્યારે યુવાનોને પણ પોતાના અનેક પ્રશ્નો હોય છે. બોર્ડની પરીક્ષામાં સારા માર્ક લાવવાની ચિંતા, ત્યારબાદ સારી કોલેજમાં પ્રવેશ મળે - એ પણ પોતાની મનગમતી જગ્યાએ અને. ફેકલ્ટીમાં મળે, તેની ચિંતા, ત્યારબાદ સારી કંપનીમાં સારા પગારની નોકરી મળે, તેની ચિંતા.. આમ આ ચક્ર ચાલતું હોય અને એમાં જો ધાર્યું ન થાય તો હતાશા અને આપઘાત સુધી વાત પહોંચી જાય છે. આ આર્ટિકલની વાત.. એ લોકો સુધી પહોંચે, એવી અભ્યર્થના.. 🙏
જવાબ આપોકાઢી નાખો