સંબંધોની કેળવણી કેમ જરૂરી: દરેક યુવાનનાં માં-બાપની મૂંઝવણ

 


સમય ઘણો ઝડપથી બદલાય રહ્યો છે. એક સમયે કોઈ અપરિણીત છોકરો અને છોકરી સાથે જોવા ન મળતાં. પણ, આજકાલ તો સિનેમા કે કોલેજમાં તમને યુવાનો સાથે ફરતાં દેખાશે જ. અને આમાં કંઈ ખોટું પણ નથી. વિજાતીય આકર્ષણ તો એકદમ પ્રાકૃતિક અને લગભગ ફાયદાકારક સાબિત થયું છે. આકર્ષણ જયારે હટે છે ત્યારે નવી શક્તિ અને નવા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. કુદરતી રીતે વૃક્ષો, પ્રાણીઓ અને પક્ષીઓમાં વિજાતીય આકર્ષણના દાખલા સમજવા અને સ્વીકારવા એકદમ સહેલાં છે. તો માનવીય સંબંધો માટે ઉત્તેજિત થઇ જવું કેટલું યોગ્ય છે?

સ્વાભાવિક રીતે કોઈ પણ વાલીને તેમના સંતાનની ચિંતા થાય ત્યારે તેઓ પોતાની લાગણીઓના વશમાં આવી સંતાનની ભાવનાઓને ઠેસ પહોંચાડતાં હોય છે. એવામાં સંતાન જો ભાવનાત્મક રીતે માં-બાપ સાથે ઓછું સંકળાયેલું હોય તો ઘરમાં કલેશ તો થવાનાં જ! આજકાલના યુવાનોને પરિવાર કરતાં સ્માર્ટ ફોન વધારે વ્હાલો લાગે છે, જેના લીધે માં-બાપને સતત દર રહેતો હોય છે કે કોઈ પારકું તેના સંતાનને ફોસલાવીને બરબાદ ન કરી નાખે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો દરેક શરીરને સ્વીકૃતિ જોઈએ છે. જયારે અસ્વીકારનો સામનો થઇ જાય તો અહમ પણ ઘવાય છે અને તેમાંથી મતભેદો અને ઝગડાનું સર્જન થાય છે. તો શું એવું ન થઇ શકે કે સત્ય કડવું પણ ન લાગે અને પેટમાં પણ ઉતરી જાય?

એક ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ. કોઈપણ પ્રાકૃતિક જીવને સ્થિરતા અથવા પૂર્ણતા મેળવવા માટે એક પૂરકની જરૂર પડે છે. લોકો તેને અલગ અલગ રીતે જુએ છે. જેમ સવાલ-જવાબ, પતિ-પત્ની, સૂર્ય-ચંદ્ર, દિવસ-રાત, વગેરે એકબીજાનાં પૂરક છે એવી જ રીતે દરેક મનુષ્યને એક પૂરકની જરૂર પડે છે. મનોવિજ્ઞાનના અનુસાર જીવનના અલગ-અલગ પડાવ પર દરેક મગજની શક્તિ અને દ્રષ્ટિકોણ અલગ-અલગ હોય છે. તો તેના પૂરક પણ અલગ-અલગ જ હોવાના ને! જે શક્તિ અને દ્રષ્ટિકોણ તેની વધારે નજીકના હોય તેનાથી સ્થિરતા અને પૂર્ણતા જલ્દીથી પ્રાપ્ત થાય.

પહેલાં પૂર્વજો ૨૧મી સદીના યુવાનો જેવી વિકાસશીલ દ્રષ્ટિ ન ધરાવવા છતાં લગ્ન જેવી પ્રથાને બાળપણથી જ પ્રાધાન્ય આપતા. લગભગ લોકો એવું માનતા હોય છે કે લગ્ન એ સ્થિરતા અને પૂર્ણતાનું પહેલું પગથિયું છે, જેના લીધે મનને જવાબદારીમાં પરોવીને ભટકતું રોકી શકાય છે. વિપરીત પરિસ્થિતિ આજકાલના યુવાનોમાં જોવા મળે છે. જેમની પાસે કોઈ મોટી જવાબદારી કે વિકાસશીલ દ્રષ્ટિકોણ નથી તે લોકો જલ્દીથી સ્થાયી થવા માંગે છે, પૂરક શોધવા લાગે છે અથવા તેમને વિજાતીય આકર્ષણ થાય છે. તેમના શરીરમાં આવતા વિવિધ બદલાવને સમજ્યા પહેલાં જ કોઈ એક વ્યક્તિ પર સ્થિર થઇ જાય છે જેનું પરિણામ ખરાબ પણ નીવડી શકે છે. માટે દરેક વાલીએ સંતાનને સંબંધોની કેળવણી આપવી જોઈએ.

કેળવણી આપતા પહેલાં સંતાન જોડે એક પૂરક બનવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય ભાષામાં આપણે તેને એક મિત્ર કહીએ છીએ. આજકાલ, કોઈ યુવાનને અન્ય યુવક કે યુવતી માટે લાગણીઓ આવે તો તે માં-બાપ પહેલાં મિત્રને જાણ કરે છે. કારણ ફક્ત એટલું જ કે મિત્ર ક્યારેય આક્ષેપ કે તેનો અસ્વીકાર કરતો નથી. જો આવા જ લક્ષણ માં-બાપ અપનાવે તો તેના સંતાનના પ્રિય બની શકે છે. કોણ વ્યક્તિ છે એ જાણવા મળી જાય એટલે અડધું કામ પૂરું થઇ ગયું હોય એવું લાગે. પણ, માણસને ઓળખવાની કળા જ આજના યુવાનોમાં ખૂટે છે! જે યુવાનો સ્માર્ટ ફોનનો ઉપયોગ સંબંધો બનાવવામાં કરતા હોય, તે પણ ક્યારેક ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે. તેવા યુવાનોને વાલીઓએ અનુભવ થકી આ કળા શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણકે આજનું ભણતર બાળકને શિક્ષિત કરતા ચાલાક વધું બનાવે છે. ચાલાક વ્યક્તિ ભોળા યુવાનોને ઓળખ છુપાવી વર્ષો સુધી છેતરી શકે છે. પરંતુ, ઈશ્વરે આપેલી શક્તિની મદદથી ઘણાં માં-બાપ વ્યક્તિની અસલિયત જાણી લેતાં હોય છે. માટે જ અંગ્રેજી ભાષામાં એક શબ્દનો વપરાશ છેલ્લા દશકાથી ખૂબ ચર્ચામાં છે, જેને લોકો vibes (વાય્બ્સ) કહે છે. ભૃગુ સંહિતા જેવા પુસ્તકો કે જેમાં ખગોળીય આધારે કોઈ પણ માણસની વાય્બ્સ (ઉર્જા) વિષે માહિતી મેળવી શકાય છે. કોઈ વિશેષજ્ઞ તેને જન્માક્ષર, તો કોઈ જન્મ કુંડળીના નામથી ઓળખે છે. અંધશ્રધ્ધા ગણીને નકારવા વાળા ઘણાં યુવાનોને જાણ હોવી જોઈએ કે આ એક વિજ્ઞાન છે જેની સાબિતી ઈન્ટરનેટ પરથી મળે છે.

હવે દરેક યુવાન તેનો પૂરક તો શોધવાનો જ અને સાથે તેની વાય્બ્સ પણ આખા પરિવારે સ્વીકારવાની રહી! માટે સંતાનને સમયસર કેળવણી આપીએ તો સમાજમાં ઘટતી ‘લવ જેહાદ’ જેવી શરમજનક ઘટનાઓ રોકી શકાય અને એક સારું પાત્ર તેનું પૂરક બની જીવન સાર્થક કરવામાં સહાયક બની શકે. આજના યુવાનો પ્રેમ સંબંધમાં સ્વીકૃતિ મળે એવી ઝંખના ધરાવતા હોય છે ત્યારે દરેક વાલીએ અત્યંત વ્હેલાં ધોરણે સંતાનનાં પૂરક (મિત્ર) બનવું જોઈએ. જે પહેલેથી જ મિત્ર છે તેણે સંતાનની નિખાલસતાને સ્વીકૃતિ આપી યોગ્ય કેળવણી આપવી જોઈએ. ઘણી વાર યુવાનો માં-બાપની વિચારધારાનો અનાદર કરતા હોય છે ત્યારે તેમને એક જ સલાહ આપવી કે, જો નિર્ધારિત વ્યક્તિનો ક્યારેય કોઈ વિકલ્પ મળે તો તે તમારો પૂરક નથી!

- વિવેક જોશી

(૦૫/૦૫/૨૦૨૨)

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. ખુબ ખુબ અભિનંદન..
    અત્યંત sensitive વિષય ઉપર સરળ ભાષામાં અને બહુ જ ઓછા શબ્દો વડે ઘણું બધું કહી દીધું.. આ રીતે અલગ અલગ વિષયો ઉપર નિયમિત લખતા રહો - આપના વિચારો પ્રદર્શિત કરો, એવી અપેક્ષા..

    જવાબ આપોકાઢી નાખો