વિચારોની માયાજાળ: માનવિક સ્વાસ્થ્ય માટે ખતરો



પ્રકૃતિમાં સુંદર વૃક્ષો, વહેતી નદીની ખળખળ, પર્વત ઉપર સૂસવાટા મારતો પવન કે ધોધમાર વરસતો વરસાદ દેખાય તો દરેક
માણસ નાનકડું બાળક બનીને માણવા કૂદી પડે! માનવીય વૃત્તિ પ્રાકૃતિક સાંનિધ્યમાં ખૂબ સારી રીતે ખીલી ઊઠે છે જેના માટે
હિલ સ્ટેશન કે ટાપુ પર હવે માનવ મહેરામણ જોવા મળે છે. આની સીધી અસર માણસનાં વિચારો પર પડે છે તેવું દુનિયાનાં
વિખ્યાત વિશ્વવિદ્યાલયો પણ સાબિત કરી ચૂક્યા છે. પશ્ચિમી દેશોમાં ઘણી સંસ્થાઓ તેમના કર્મચારીઓ માટે ખાસ આવા
પ્રવાસનું આયોજન કરતા હોય છે, જેના લીધે કાર્ય ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પણ
હવે માનસિક સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગમાં કાર્ય કરતાં વિશેષજ્ઞોને પ્રોત્સાહિત કરે છે. તો યુવાઓ પણ હવે સાયકોલોજી જેવા
વિષયને કારકિર્દી ક્ષેત્રે પ્રાધાન્ય આપી રહ્યાં છે.

વિજ્ઞાનમાં ઉત્સુકતા ધરાવતાં કોઈપણ વ્યક્તિને જાણવાની ઈચ્છા થઈ જ જાય કે માનસિક સ્વાસ્થ્યને કેમ આટલું પ્રાધાન્ય મળી
રહ્યું છે. કોરોના જેવી મહામારી વખતે ડોક્ટર, નર્સ, મેડિકલ ટીમના ફ્રન્ટલાઈન વર્કર વગેરેની સહનશીલતા તો જુઓ કે
મહિનાઓ સુધી પોતાના પરિવારથી દૂર રહેવા છતાં વિકટ પરિસ્થિતિમાં કામ કરી લોકોના જીવ બચાવ્યા. આમાંથી ઘણાં હિંમત
પણ હારી ગયેલા. વિચારોના વમળમાં ફસાયા બાદ તેમને બચવા માટે કોઈ તણખલું મળ્યું નહિ હોય કે પરિસ્થિતિ એવી વિકરાળ
બની હશે તેનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. પરંતુ, જે લોકો માનસિક અને શારીરિક રીતે મજબૂત હતા તેઓ કોરોનાથી સંક્રમિત
થયા બાદ પણ આપણી વચ્ચે હયાત છે. સરકારશ્રી તથા આયુર્વેદના તજજ્ઞોએ જે રીતે યોગનો પ્રચાર-પ્રસાર માનસિક સ્વાસ્થ્ય
માટે કર્યો છે તે ઘણો પ્રશંસનીય છે.

આપણાં વિચારો જ આપણી કાર્ય ક્ષમતા નક્કી કરે છે અને આપણું ભવિષ્ય નક્કી કરે છે. પણ, વિચારોને નિયંત્રિત કરવા અને
એક દિશામાં વાળીને તેના પર વળગી રહેવું એક અઘરું કામ છે. માનવીય મગજને બાળપણથી જે રીતે ઘડવામાં આવ્યું હોય તે
રીતે જ વિચારી શકે છે. વિપરીત પરિસ્થિતિ આવતા જો માણસ ડઘાઈ જાય તો સમજવું કે તે માનસિક રીતે અસ્થિર છે. આવા
માણસને એક મિત્ર બનીને સહાયક બનવું આપણી સામાજિક ફરજ કહેવાય. મગજ જો એક વાર વિચારે ચડી જતું હોય તો તેને
અટકાવવા શાંત ચિત્તે ધ્યાન કરવું જરૂરી બની જાય છે. કોઈપણ વ્યક્તિ સાથે વિખવાદ કે ઝગડો થવાને લીધે અથવા
સ્વજનો સાથેના મતભેદ વખતે શબ્દોની આપ-લે ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ. ક્યારેક સમય જતાં પસ્તાવા
સ્વરૂપે આવતો વિચારોનો વંટોળના ચક્રવ્યૂહમાંથી નીકળીને કામ પર લાગવું કપરાં લક્ષ્યાંક સમાન બની રહે છે. માટે જ
ગુસ્સા કે સ્વજનો સાથે ટકરાવ વખતે શબ્દો અને વિચારો પર નિયંત્રણ મેળવવું જરૂરી બને છે.

વિચારોનાં ચક્રવ્યૂહમાં સૌથી વધારે નુકસાન પોતાનાં ચરિત્ર કરતાં સ્વમાનને પહોંચે છે. તેથી દરેક માણસે પોતાને ખૂબ
સારી રીતે જાણવા જોઈએ. જે વ્યક્તિ પોતે પોતાનાથી ખૂબ નજીક હોય છે તેને નિયંત્રણ માટે કોચિંગ ક્લાસ કરવાની
જરૂર નથી રહેતી. કોઈ તેનાં સ્વમાન કે મૂલ્યોને સહેજ પણ ડગમગાવી શકતું નથી. તેનું તેજ અને સહનશકિત તેની
પૂર્ણતાનો પુરાવો આપતા હોય છે. તેવા વ્યક્તિના સાનિધ્યમાં રહીને કોઈ અશાંત જીવ પણ શાંત થઈ જતો હોય છે તો
ક્યારેક તેમને વળગી રહેવાથી જીવનના ઘણા પ્રશ્નોના ઉકેલ આવી જતાં હોય છે. આવા વ્યક્તિની સંગત તમને વિચારોનાં
ચક્રવ્યૂહથી બચી છૂટવા અનેક પ્રકારના જાદૂઈ નુસ્ખાઓ અપાવશે. વળી, જીવન જીવવાની કળા શીખી જવાથી સફળતાં
અને સુખ પામવા માટે વેગ પણ મળશે. માનસિક સ્વાસ્થ્ય સાચવવાની આ રીત સૌથી કારગર સાબિત થયેલી છે.

પણ ઘણાં લોકો તેના મિત્ર અથવા પરિવારજનોને મૂંઝવણ કહેતા અચકાતાં હોય છે. તેનું કારણ અવિશ્વાસ અથવા
લઘુતાગ્રંથિ પણ હોય શકે છે. તેવા વ્યક્તિએ ખુદને પ્રાધાન્ય આપીને યોગમય બનવાની શરૂઆત કરવી જોઈએ. યોગ
અને પ્રાણાયામ શરીર અને મગજને એકાગ્ર બનાવી શાંતિ, ધૈર્ય અને ઊર્જાનો સંચાર કરે છે. જેના લીધે આસપાસનું

વાતાવરણ હકારાત્મક બને છે અને કૃત્રિમ વિચારોથી દૂર કરે છે. જો યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો
ગુમાવેલું સ્વમાન અને આત્મવિશ્વાસ પાછો મેળવી શકાય છે. તેનાથી નકારાત્મક વિચારો પર વિજય મેળવી શકાય છે
અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે.

કેટલાંક લોકોએ એક અનોખો પ્રયોગ પણ કરી જોયો છે. સામાન્ય ભાષામાં મનને ભટકાવવું (ડાઈવર્ટ કરવું) એ કલાકારનું
કામ કહેવાય! જ્યારે વિચારોનાં વાદળાં ઘેરવા લાગે ત્યારે વ્યસ્ત બની જવાથી ઘણાં વિચારોને વિરામ મળે છે. મનને
કામમાં પરોવીને નકારાત્મક વિચારોથી દૂર રહી, મંઝિલ સુધી પહોંચીને સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય ભોગવી શકાય છે. જો
ત્રણેય રીતનો સંગમ થાય (એટલે કે સમજનાર મિત્રનો સાથ, યોગ અને પ્રાણયામનો રોજિંદા જીવનમાં પ્રયોગ અને મનની
યોગ્ય કામમાં વ્યસ્તતા) તો યુવા પીઢી ક્યારેય ચક્રવ્યૂહમાં પરાસ્ત નહિ થાય!

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ