સ્વામીનાથન કમિટીના રીપોર્ટની ચર્ચા કેમ થાય છે? રમેશ સવાણી ની કલમે


એક  ટીવી ચેનલના એન્કરનો પ્રશ્ન હતો કે 8 ડીસેમ્બર 2020ના રોજ સવારના 11:00 થી બપોરના 3:00 સુધી ‘ભારત બંધ’ના એલાનથી શું ફાયદો થયો? સ્વાભાવિક છે કે દેખીતો કોઈ ફાયદો ન થયો; કિસાનોની માંગણીઓ માનવા સરકાર તૈયાર ન થઈ ! પરંતુ કિસાનોની માંગણીઓ ઉચિત છે; એવી લોકજાગૃતિ કિસાનો ઊભી કરી શક્યા તે મોટી વાત છે. કિસાન આંદોલનના સમર્થનમાં USA/UK/કેનેડામાં પ્રદર્શનો યોજાયા ! આપણા PM ભલે કિસાન આંદોલનથી ભડકતા હોય; પરંતુ કેનેડાના PM એ કિસાન આંદોલનને ટેકો આપ્યો છે ! ગાંધીજીએ 1946 માં કહ્યું હતું : ‘જે લોકો ભૂખ્યા છે, તેમના માટે રોટી ઈશ્વર છે !’ આ વાતને માર્ગદર્શક સિધ્ધાંત ગણી 18 નવેમ્બર 2004 ના રોજ કૃષિની સમસ્યાને ઊંડાણપૂર્વક સમજવા અને કિસાનોની પ્રગતિનો રસ્તો તૈયાર કરવા માટે ‘રાષ્ટ્રીય કિસાન આયોગ’ની રચના કરવામાં આવી. આ આયોગના ચેરમેન કૃષિ વૈજ્ઞાનિક અને ‘હરિત ક્રાંતિ’ના જનક ડો. એમ. એસ. સ્વામીનાથન હતા. આ આયોગ/કમિટીએ ઓક્ટોબર 2006 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો. કિસાનોની આવક વધારવા તેમણે જે ભલામણો કરી છે; તે લાગુ પાડવામાં આવે તો કિસાનોની દશા ચોક્કસ બદલી જાય ! એટલે જ્યારે જ્યારે કિસાન આંદોલન થાય છે ત્યારે સ્વામીનાથન કમિટીની ભલામણોને લાગુ પાડવાની માંગણી અચૂક ઊઠે છે.

સ્વામીનાથન કમિટીની મુખ્ય ભલાણો શું છે? [1] કૃષિને રાજ્યોની યાદીના બદલે સંયુક્ત યાદીમાં મૂકવામાં આવે; જેથી રાજ્ય અને કેન્દ્ર બન્ને કિસાનોની મદદ માટે આગળ આવે ! [2] કિસાનોને સારી ગુણવત્તાવાળા બીજ ઓછામાં ઓછા દરે આપવામાં આવે ! પાકનો જે ખર્ચ થાય તેમાં 50 % કરતા વધુ રકમ જોડીને કિસાનોને MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસ મળવી જોઈએ. [3] સારી ઉપજ માટે કિસાનો પાસે નવી જાણકારી હોવી જોઈએ. દરેક ગામમાં કિસાનોની મદદ અને જાગૃતિ માટે ‘વિલેજ નોલેજ સેન્ટર’ની સ્થાપના કરવી જોઈએ. મહિલા કિસાનો માટે કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરવી. [4] ભૂમિ સુધારા કરવા. વધારાની અને પડતર જમીનો ભૂમિહીનોને ફાળવવી. કોર્પોરેટ સેક્ટર માટે બિન કૃષિ કામો માટે મુખ્ય કૃષિ ભૂમી તથા જંગલો ફાળવવા નહીં. [5] કિસાનો માટે ‘કૃષિ રાહત ફંડ’ની રચના કરવી; જેથી કુદરતી આપત્તિ વેળાએ કિસાનોને મદદ મળી શકે. [6] ગરીબ/નાના અને જરુરિયાત વાળા કિસાનો માટે લોનની વ્યવસ્થા કરવી. [7] સરળ અને સસ્તી ક્રોધ લોન કિસાનોને મળવી જોઈએ. કિસાનો માટે લોનનો વ્યાજ દર 4% સુધી લાવવો. જ્યાં સુધી લોન ભરી શકે તેવી સ્થિતિમાં કિસાન ન હોય ત્યાં સુધી લોનની વસૂલી ન કરવી. [8] કિસાનોની આત્મહત્યા રોકવા રાજ્ય સ્તરનું કિસાન કમિશનની રચના કરવી. કિસાનોની સ્વાસ્થ્ય તથા શિક્ષણ સુવિધાઓ વઘારવી. [9] દરેક કિસાનોને સિંચાઈ માટે પાણી પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ. રેઈન વોટર હારવેસ્ટિંગને મહત્વ આપવું. પંચવર્ષિય યોજનાઓમાં આ માટે વધુ બજેટ ફાળવવું.

2006 થી 2020 સુધી જે જે સરકાર આવી તેમણે હાથ ઊંચા કરી દીધા ! સરકારી કર્મચારીઓના વેતનમાં 150 ગણો વધારો થયો; જ્યારે કિસાનોના પાકના દામ માત્ર 21 ગણા જ વધ્યા છે ! જ્યાં સુધી કિસાનો આંદોલન નહીં કરે ત્યાં સુધી તેને પોતાનો હક્ક મળી શકે તેમ નથી. આખું તંત્ર કિસાન વિરોધી છે ! કિસાનોને બચાવવા હોય તો સ્વામીનાથન કમિટીની ભલામણોનો અમલ કરવો જ પડે; પણ કોઈ પણ સરકારને કિસાનો પ્રત્યે લાગણી નથી ! કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં; ફાર્મ્સ (એમ્પાવરમૅન્ટ ઍન્ડ પ્રૉટેકશન) ઍગ્રિમેન્ટ ઑફ પ્રાઇસ ઍશોરેન્સ ઍન્ડ ફાર્મ સર્વિસિસ ઍક્ટ 2020, ફાર્મ્સ પ્રૉડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રૉમોશન ઍન્ડ ફૅલિસિટેશન) ઍક્ટ 2020 અને એસેન્શ્યિલ કૉમોડિટિસ (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ 2020 બનાવ્યા છે. આ ત્રણેય એક્ટની ખાસિયત એ છે કે તેના નામ રુપાળા રાખ્યા છે ! પરંતુ તેમાં સ્વામીનાથન કમિટીની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો નથી ! માની લઈએ કે વડાપ્રધાનની નિયત ગંગાજળ જેવી છે; તો સ્વામીનાથન કમિટીની/ ‘રાષ્ટ્રીય કિસાન આયોગ’ની ભલામણોનો અમલ કેમ ન કર્યો? આ ત્રણેય કાયદાઓ; ભારતના કિસાનો કે તેમની કોઈ સંસ્થાઓની માંગણીના કારણે બન્યા નથી; પરંતુ કોર્પોરેટ કંપનીઓની સુવિધા માટે બન્યા છે !rs

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ